શ્રીરામકૃષ્ણ પરમહંસએ કહેલ ઘરનાંઓ પ્રત્યે કર્તવ્ય
સને ૧૮૮૪માં શ્રીરામકૃષ્ણે એ સ્થળની બીજી મુલાકાત લીધી હતી. એ વખતે ત્યાં મંડળીમાં વિજય, ત્રૈલોક્ય અને એક બ્રાહ્મસમાજી સબ-જજ હતા. ત્રૈલોક્યનાં ભજનો સાંભળીને શ્રીરામકૃષ્ણને વારંવાર સમાધિ થઈ જતી હતી. ત્યાં સબ-જજ સાથે નીચે પ્રમાણેનો રસભર્યો વાર્તાલાપ થયો હતો.
સબ-જજ: “અમે ગૃહસ્થીઓ છીએ; ઘરનાંઓ પ્રત્યે અમારું કર્તવ્ય કયાં લગી?”
શ્રીરામકૃષ્ણ: “તમારે તમારાં બાળકોને ઊછેરવાં, ધર્મપત્નીનું ભરણ-પોષણ કરવું અને તમારી હયાતી ન હોય ત્યારે પણ તેનો નિભાવ થાય તેવી ગોઠવણ કરવી. જો તમે આટલું ન કરો તો તમે ક્રૂર કહેવાઓ. જે મનુષ્યમાં દયા ન હોય, તે મનુષ્ય, મનુષ્ય કહેવડાવવાને જ લાયક નથી.”
સબ-જજ: “સંતાનો પ્રત્યે અમારું કર્તવ્ય કયાં સુધી?”
શ્રીરામકૃષ્ણ: “તેઓ સગીર મટી જાય ત્યાં સુધી. જ્યારે પક્ષીનું બચ્ચું મોટું થઈ જાય, ત્યારે માતા તેને ચાંચ મારે, અને તેને માળો છોડવાની ફરજ પાડીને પોતાની મેળે ચણી ખાતાં શીખવે છે.”
સબ-જજ: “સ્ત્રી પ્રતિ અમારું શું કર્તવ્ય?”
શ્રીરામકૃષ્ણ: “તમારી હયાતી દરમિયાન તમારે તેને ધર્મોપદેશ આપવો અને તેનું ભરણપોષણ કરવું; જો તે વફાદાર હોય તો તમારે તમારા મૃત્યુ પછી પણ તેનો નિભાવ થાય એવી વ્યવસ્થા કરી રાખવી જોઈએ. પણ જ્યારે ઈશ્વરસાક્ષાત્કારની પાછળ કોઈ પાગલ બને, ત્યારે તમામ ફરજોનો અંત આવી જાય એવું બને. ત્યારે કુટુંબની સંભાળ ઈશ્વર લે. જ્યારે કોઈ જમીનદાર પોતાના પુત્રને સગીર વયનો મૂકી ગુજરી જાય, ત્યારે ‘કોર્ટ ઑફ વૉર્ડ્ઝ’ એ છોકરાની સંભાળ લે છે. આ બધી તો કાયદાની વાત છે, એટલે તમે તો તે જાણો જ!”
શૈલોક્ય: “મહાશય ! ગૃહસ્થીજીવન ગાળતાં ગાળતાં શું મનુષ્યને પરમજ્ઞાન પ્રાપ્ત થાય ખરું? તેને શું ઈશ્વરનો સાક્ષાત્કાર થઈ શકે?”
શ્રીરામકૃષ્ણ (હસતાં): “કેમ, તમે તો બેઉમાં છો ને શું? તમે સંસારમાંય છો, અને ઈશ્વરને પણ ભજો છો. ગૃહસ્થી પણ અવશ્ય ઈશ્વર-સાક્ષાત્કાર કરી શકે. ઈશ્વરનું નામ લેતાં જ્યારે આંખોમાં આંસુ ઊભરાય અને રોમાંચ થઈ જાય, ત્યારે જાણવું કે કામકાંચનની આસક્તિ નીકળી ગઈ છે, અને ઈશ્વરદર્શન થયાં છે. દીવાસળી સૂકી હોય તો એક જ વાર ઘસવાથી સળગી ઊઠે, પણ ભીની હોય તો ભલેને પચાસ વાર ઘસો ને, કોઈ રીતે તે સળગે જ નહિ!”
એક ભક્ત: “મહારાજ! કોઈ માણસે જીવનભર ઈશ્વરનું સ્મરણ કર્યું હોય પરંતુ મૃત્યુ વેળાએ તેને ઈશ્વરનું વિસ્મરણ થઈ જાય, તો એવા મનુષ્યને બીજી વાર જન્મ લેવો પડે ખરો?”
શ્રીરામકૃષ્ણ: “જુઓ, માણસો ઈશ્વરનું સ્મરણ કરે ખરા, પરંતુ તેમનામાં ઈશ્વરમાં શ્રદ્ધાનો અભાવ હોય છે; પરિણામે તેઓ તેને ભૂલી જાય છે અને સંસારમાં આસક્ત બની જાય છે. નવડાવી લીધા પછી હાથી ફરીથી પોતાના શરીરને ધૂળથી ખરડી નાખે છે; મનુષ્યના ચિત્ત અને સંસારનું પણ તેમ જ સમજવું. પરંતુ હાથીને નવડાવ્યા પછી જો તબેલામાં પૂરી દઈએ તો ફરીથી ધૂળથી ખરડાવાનો પ્રસંગ તેને ન આવે. એવી રીતે મનુષ્ય જો ઈશ્વરપરાયણ રહે તો તેનું ચિત્ત શુદ્ધ થઈ જાય, અને ફરીથી તેને કામકાંચનથી દૂષિત થવાનો વારો આવે નહિ.”
~ શ્રીરામકૃષ્ણદેવ પુસ્તકમાંથી